પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી, ગૃહનો સંદેશ

7/2/2022 7:59:46 PM

    ગુજરાત રાજયના ગૃહ વિભાગની મુખ્ય કામગીરી રાજ્યમાં શાંતિ, સલામતી તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની છે. ગુજરાત રાજ્ય પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું હોવાથી રાજ્યની આંતરિક સલામતીની સાથે સાથે દેશમાં થતી આતંકવાદીઓની ઘુસણખોરી અટકાવવાની વિશેષ જવાબદારી પણ ગુજરાતના શીરે છે. રાજ્યની પ્રજાની આર્થિક સુખાકારી રાજ્યની સલામતી અને શાંતિને જ આભારી છે તેમ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી.  સાથે સાથે ગૃહ વિભાગ ગુન્હાની તપાસ , સંશોધન અને નિવારણ, નશાબંધી , માનવ અધિકારનું રક્ષણ, પાસપોર્ટ અને વીઝા, રાજ્યમાં વસતા સૈનિક અને તેમના પરિવારોનું કલ્યાણ જેવી અગત્યની કામગીરી પણ સંભાળી રહ્યું છે.

    રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી, પોલીસ તંત્ર ઉપર પ્રજાનો વિશ્વાસ વધુ સુદૃઢ બને તથા પોલીસ પ્રજાની મિત્ર બને તેવા હેતુથી સુરક્ષા સેતુ સોસાયટીની ખાસ હેતુથી રચના કરી છે. આપણી પોલીસ વર્તમાન સમયના કદમ સાથે કદમ મિલાવી શકે તે માટે પોલીસ તાલીમ અને પોલીસ દળના આધુનિકરણની પ્રક્રિયાને પણ અવિરત અને સતત ચાલતી પ્રક્રિયા બનાવાઇ છે. રાજયની જેલોને અત્યંત આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી છે.  સજા પુરી કરી બહાર નિકળતો કેદી આત્મનિર્ભર બને તે માટે વિવિધ ઉદ્યોગ કૌશલ્યની તાલીમ પણ તેઓને આપવામાં આવે છે.

    રાજ્યની શાંતિ અને સલામતી માટે મારા પોલીસ દળના જવાનો ખડેપગે ઉભા હોય ત્યારે, તેમના તથા તેમના કુટુંબના કલ્યાણની યોજનાઓ માટે પણ મારી સરકાર દ્વારા વિશેષ કાળજી લેવાઇ રહી છે. ગુજરાતમાં લાંબા ગાળાની સ્થિર અને સબળ નેતૃત્વવાળી સરકારના પ્રયાસોથી રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોમી એખલાસ અને શાંતિનું જે વાતાવરણ પ્રવર્તે છે અને “કર્ફ્યુ”માત્ર હવે શબ્દ કોશમાંનો એક શબ્દ જ બની રહ્યો છે ત્યારે, તે બદલ ગૃહ વિભાગની મારી સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર બને છે.

    અંતે, ગુજરાતની પ્રજા અને પોલીસ દળના સહયોગથી, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય શાંતિ અને સમૃધ્ધિમાં સદૈવ અગ્રણી રહે એવી શુભેચ્છા સાથે…

       જય જય ગરવી ગુજરાત  …………… વંદે માતરમ્‌ ………..